પ્રકાશન વર્ષ - ૨૦૦૫

અમાવસ્યા કે તારે

શ્રી કિસનસિંહ ચાવડા

ઉમાશંકર જોશી સંપાદિત 'સંસ્કૃતિ' માસિકમાં વર્ષો સુધી 'જીપ્સીની આંખે' એ શીર્ષક હેઠળ માનવજીવનની વિલક્ષણ કથાઓ અત્યંત ચોટડૂક રીતે પ્રસિદ્ધ થઈ રહી હતી. કહે છે કે 'સંસ્કૃતિ' ની આ લેખ શ્રેણીને વાંચીને વાચકોના દિલ ખુલી જતા હતા. આ બધા પ્રસંગો એના લેખક શ્રી કિસનસિંહ ચાવડાની સ્વાનુભવની ઘટનાઓ છે અને એમાંથી જે વિરલ પાત્ર સૃષ્ટિ સર્જાય છે એનું ગુજરાતી સાહિત્યમાં આગવું સ્થાન રહ્યું છે.

અનુવાદક - ડો. પ્રજ્ઞા શુક્લ

પ્રકાશક - જ્ઞાનગંગા પ્રકાશન, દિલ્હી

હાસ્યં શરણં ગચ્છામિ

શ્રી જ્યોતીન્દ્ર દવે

ગુજરાતી હાસ્ય સાહિત્યને એક નવી જ ટોચ ઉપર લઈ જનારા શ્રી જ્યોતીન્દ્ર દવેના વિવિધ ગ્રંથોમાંથી ચયન કરેલા ૨૩ જેટલા લેખોના આ પુસ્તકનું સંપાદન શ્રી રતિલાલ બોરીસાગરે ર્ક્યુ છે. આ લેખોનું વિષય વૈવિધ્ય અને એની લખાવટ ક્યારેક આપણને ખડખડાટ હસાવે છે તો ક્યારેક આપણને ક્યાંય સુધી મંદ મંદ મલકાવ્યા કરે છે. જ્યોતીન્દ્રભાઈના હાસ્ય વિશે એકવાર ઉમાશંકર જોશીએ કહ્યું હતું કે મને હસવું આવે છે એમ કહેવાને બદલે ‘મને જ્યોતીન્દ્ર દવે આવે છે’ એમ કહેવું જોઈએ.

અનુવાદક - ત્રિવેણીપ્રસાદ શુક્લા

પ્રકાશક - પ્રતિભા પ્રતિષ્ઠાન, નવી દિલ્હી


પ્રકાશન વર્ષ - ૨૦૦૬

મડિયા કી શ્રેષ્ઠ કહાનિયાઁ

ચુનીલાલ મડિયા

વીસમી સદીના ગુજરાતી કથા સાહિત્યમાં જે સહુથી સશક્ત કલમોએ પ્રદાન ર્ક્યુ છે એમાં શ્રી ચુનીલાલ મડિયાનું સ્થાન અગ્રગણ્ય છે. મડિયાએ પોતાના જીવનકાળ દરમિયાન જ પોતાની શ્રેષ્ઠ લાગતી વાર્તાઓનું ચયન ર્ક્યુ હતું. એ ગુજરાતી ગ્રંથ હવે હિંદીમાં ઉપલબ્ધ થયો છે. કુલ ૧૮ જેટલી ટૂંકી વાર્તાઓમાં ગ્રામ્ય પ્રદેશના જીવનનો જે ધબકાર આ વાર્તાઓમાં સંભળાય છે એ રાષ્ટ્રીય સ્તરે પણ વાચકોને મુગ્ધ કરે એવો છે.

અનુવાદક - નવનીત ઠક્કર

પ્રકાશક - પ્રકાશન સંસ્થાન, નવી દિલ્હી

સુખે પેડ કા હરા પત્તા

દિલીપ રાણપુરા

વીસમી સદીના ઉતરાર્ધમાં જે નવલકથાકારોએ પોતાનું સ્થાન નિશ્ચિત કર્યુ એમાં શ્રી દિલીપ રાણપુરાને મૂકી શકાય. એમણે લખેલા કુલ ૮૩ જેટલા પુસ્તકો પૈકી આ નવલકથા તદ્દન અનોખી ભાત પાડે છે. વર્તમાન શિક્ષણ પધ્ધતિના માળખા ઉપર વેધક પ્રશ્નો પેદા કરતી આ નવલકથાનું ગુજરાતી શીર્ષક છે ‘સૂકી ધરતી સૂકા હોઠ’. નવલકથાનો પ્રવાહ એવી રીતે વહેતો રહે છે કે નાયકના ચિત્તની એકલતા સાથે વાચક પણ એકરૂપ થઈ જાય છે. એમાંય જ્યારે કથા સમાપ્ત થાય છે ત્યારે માનવચિત્તની જે ગહેરાઈ સફાળી સપાટી ઉપર આવે છે એનાથી મુગ્ધ થઈ જવાય છે.

અનુવાદક - હર્ષદ દવે

પ્રકાશક - પ્રકાશન સંસ્થાન, નવી દિલ્હી

સંસારી સાધુ

હરકિસન મહેતા

ગુજરાતી ભાષામાં અત્યંત લોકપ્રિય અને પ્રતિષ્ઠિત નવલકથાકાર શ્રી હરકિસન મહેતાની આ નવલકથા વીસમી સદીના આરંભ કાળે ભારતના એક દેશી રજવાડામાં બનેલી અત્યંત રોમાંચક ઘટનાનો અક્ષરદેહ છે. એની રજુઆત એવી માર્મિક થઈ છે કે એનો કરુણ અંત સુધ્ધાં વાચકોના મન ઉપર ક્યાંય સુધી ઊંડો પ્રભાવ પાથરી જાય છે.

અનુવાદક - હર્ષદ દવે

પ્રકાશક - જ્ઞાનગંગા પ્રકાશન, નવી દિલ્હી–


પ્રકાશન વર્ષ - ૨૦૦૭

શ્રીમદ્‌ ભાગવત કથા રહસ્ય

કરસનદાસ માણેક

શ્રીમદ્ ભાગવત વિશે એવું કહેવાય છે કે ‘વિદ્યાવતાં ભાગવતે પરીક્ષા’. અહીં શ્રીમદ્ ભાગવતના કથાનકોને એક નવા જ પ્રકાશમાં મૂકીને શ્રી કરસનદાસ માણેકે આ પરીક્ષામાં ઊંચું સ્થાન પ્રાપ્ત ર્ક્યુ છે એમ કહ્યા વિના ચાલે નહિ. શ્રી માણેક, કવિ, વાર્તાકાર, નિબંધકાર, પત્રકાર અને કીર્તનકાર તો હતા જ પણ આ ગ્રંથમાં શ્રીમદ્ ભાગવતનું જે અભિનવ દર્શન એમણે કરાવ્યું છે એ મોટા ગજાના આધ્યાત્મિક ચિંતક તરીકે એમને પ્રસ્થાપિત કરે છે. ભાગવતના અદ્યતન અર્થ સંદર્ભો સાથે એમણે જે નુતનીકરણ ર્ક્યુ છે એ અપ્રતિમ છે.

અનુવાદક - ડૉ. પ્રજ્ઞા શુક્લ

પ્રકાશક - શુભદા પ્રકાશન, દિલ્હી


સમયચિંતન

કાકાસાહેબ કાલેલકર

ગાંધી યુગના જે વિચારકો ગાંધી દ્વારા જ પલોટાયા છે એમાં કાકાસાહેબ કાલેલકર અગ્રિમ સ્થાને છે. જન્મે મરાઠી પણ સવાઈ ગુજરાતી બનીને ગુજરાત વિદ્યાપીઠના આચાર્ય પદે રહેલા કાકાસાહેબે વખતોવખત તત્કાલીન ઘટનાઓ ઉપર જે ચિંતન ર્ક્ય઼ું છે એ એમના સાપ્તાહિક ‘મંગલ પ્રભાત’માં પ્રગટ થતું રહ્યું હતું. આ વિચાર લેખો પૈકી ૩૭ જેટલા લખાણોને તારવીને અહીં ગ્રંથસ્થ કરવામાં આવ્યા છે. એમાં સમયચિંતન તો છે જ પણ એ ઉપરાંત કાકાસાહેબની કાવ્યદ્રષ્ટિ પણ આપણને સાંપડે છે.

સંપાદક - દિનકર જોષી

પ્રકાશક - પ્રકાશન સંસ્થાન, નવી દિલ્હી

મેરી ધરતી મેરા આકાશ

ડૉ. રમેશ જાની

રોજબરોજની સાવ સહજ લાગતી ઘટનાઓમાંથી માનવજીવનને ઉજાગર કરતું વેધક દર્શન ડૉ. રમેશ જાનીએ એમના આ ગ્રંથના લલિત પ્રસંગચિત્રોમાં ર્ક્યું છે. આ આકાશ હેઠળની આપણી ધરતી ઉપર જે ક્ષણ આપણને પ્રાપ્ત થાય છે એ જ આપણી છે પણ આ ક્ષણને જે રંગ પ્રાપ્ત થાય છે એ પરમાત્માનો જ છે, આવા ફકીરી અહેસાસ સાથે આ પ્રસંગો આપણને જાત જોડે સંવાદ કરવા માટે પૂરતું ભાથું પૂરું પાડે છે. કુલ ૪૦ જેટલા આ પ્રસંગ ચિત્રો વાંચ્યા પછી મુગ્ધ ભાવે જે સ્તબ્ધતા અંતરમાં ઘુમરાયા કરે છે એ પણ એક માણવા જેવી પળ છે.

અનુવાદક - લલિત શાહ

પ્રકાશક - પ્રકાશન સંસ્થાન, નવી દિલ્હી

પ્રકાશન વર્ષ - ૨૦૦૮

શોધ-પ્રતિશોધ

હરીન્દ્ર દવે

સ્વાતંત્રોત્તર ચૂંટણીલક્ષી રાજકારણમાં માનવીય મૂલ્યોનો જે ભયાનક હ્રાસ થયો છે એનું વિચાર સ્તબ્ધ કરી મૂકે એવું આ કથાનક ગુજરાતી ભાષામાં ‘મોટા અપરાધી મહેલ’માં એ નામે નવલકથા સ્વરુપે પ્રગટ થયું છે. વાતાવરણ અને ઘટનાઓ ભલે કાલ્પનિક હોય પણ એમાં આપણી વર્તમાન ચૂંટણીલક્ષી લોકશાહીનો આપણને જે અનુભવ થયો છે એનો તીવ્ર રોમાંચ પાને પાને પ્રગટ થાય છે. આ નવલકથાનું વાંચન કોઈપણ સહ્રદયી વાચકને લાંબો સમય સુધી વિચારસૃષ્ટિમાં ઝબકોળી દે છે.

અનુવાદક - હરીન્દ્ર દવે

પ્રકાશક - લોકશિક્ષા મંચ , દિલ્હી

દર્પણ જૂઠ ન બોલે

શાહબુદ્દીન રાઠોડ

હાસ્ય માત્ર હસવા માટે નથી હોતું. હસ્યા પછી જો આ હાસ્ય વિચાર પ્રદેશમાં લઈ જાય તો એ એની સફળતા છે. શ્રી શાહબુદ્દીન રાઠોડની ગુજરાતી રચનાઓમાંથી સંકલિત કરેલી ૩૪ રચનાઓનો આ હિંદી અનુવાદ છે. આમાં માનવજીવનની વિભિન્ન પરિસ્થિતિઓ અને વૈચારિક સ્તરોની મૌલિક અને વિલક્ષણ શૈલી પ્રગટ થઈ છે. જીવનની વાસ્તવિકતાઓ સાથે માનવ પ્રકૃતિના સોંસરા ઉતરી જાય એવા પ્રસંગોમાં હાસ્યરસની ચાસણી રેડીને મધુરતા પ્રગટ થઈ છે.

સંપાદક - પલ્લવી ઠક્કર

અનુવાદક - નવનીત ઠક્કર

પ્રકાશક - શુભદા પ્રકાશન, દિલ્હી

પ્રકાશન વર્ષ - ૨૦૦૯

સરસ્વતીચન્દ્ર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

ચાર ભાગમાં પ્રસરેલી અને એક સૈકા કરતા વધુ સમય પૂર્વે પ્રગટ થયેલી આ મહાનવલ આજેય ગુજરાતી ભાષાનો મેરુથંભ ગણાય છે. એ કાળ અને એ કથાનકો હવે આજે રહ્યા નથી અને છતાં એમાં રહેલું માધુર્ય આજેય એવું ને એવું જ તરોતાજાં મનાતું રહ્યું છે. આ મહાનવલના આ માધુર્યને યથાતથ જાળવીને એનો સંક્ષેપ ડૉ. ઉપેન્દ્ર પંડ્યાએ ર્ક્યો છે. હિંદી ભાષામાં અનુદિત થઈને પ્રગટ થયેલો આ ગ્રંથ ડૉ. પંડ્યાની સંક્ષિપ્ત આવૃત્તિ છે. એવું કહેવાય છે કે ગોઈથેનું ‘વિહ્લેમ મિસ્ટર’, ‘અરેબિયન નાઈટ્સ’, વિક્ટર હ્યુગોનું ‘લા મિઝરેબલ’ અને ગોવર્ધનરામભાઈની આ નવલકથા ‘સરસ્વતીચન્દ્ર’ ચાર દિશાની દેવીઓ જેવી સિંહાસને બિરાજતી નવલકથાઓ છે. આમાં લેખકનો અનુભવ સંચય ઉપરાંત જ્ઞાનભંડાર વિશાળ રત્નાકર જેવો લાગે છે. એમનું ધર્મચિંતન સ્વિડન બોર્ગની કલ્પના ભૂમિ કે બાણ ભટ્ટ જેવી કવિતાની રસવૃષ્ટિ કરે છે. 

અનુવાદક - નવનીત ઠક્કર

પ્રકાશક - લોક શિક્ષા મંચ, દિલ્હી


ભારેલો અગ્નિ

રમણલાલ વસંતલાલ દેસાઈ

જેમને ગુજરાતી નવલકથા સાહિત્યમાં યુગમૂર્તિ વાર્તાકારનું બિરુદ આપવામાં આવ્યું છે એવા શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈની આ રચના વાચકને ૧૮૫૭ ના પહેલા સ્વાતંત્ર્યસંગ્રામના યુગમાં દોરી જાય છે. હિંસક સંગ્રામોના ઘોર નાદ વચ્ચે અહિંસાની મીઠી વાંસળી વગાડતા રુદ્રદત્તનું પાત્ર ભૂલી ન શકાય એવું છે. ઈતિહાસ અને સંસ્કૃતિ બંનેનું એવું અદ્‌ભુત ચિત્રણ અહીં થયું છે કે સાત દાયકા પછી પણ આ નવલકથા ગુજરાતના પ્રબુધ્ધ વાચકોની ત્રણ ત્રણ પેઢીઓને સતત પોતીકી લાગતી રહી છે.

અનુવાદક – ડૉ. પ્રજ્ઞા શુક્લ

પ્રકાશક - શુભદા પ્રકાશન, દિલ્હી


ચક્રવર્તી સંન્યાસી સરદાર પટેલ 

હિંમતભાઈ મહેતા

બ્રિટિશ સરકારે તો ભારતનું વિભાજન માત્ર એક નવી સરહદ પેદા કરીને ર્ક્યુ હતું પણ જો સરદાર ન હોત તો શેષ ભારતમાં કેટલી બધી સરહદો હોત એની કલ્પના કરતા પણ કંપારી આવે એવું છે. દેશના સર્વપ્રથમ વડાપ્રધાન તરીકે જેમને લગભગ આખા દેશે પસંદ ર્ક્યા હતા અને છતાં ગાંધીજીની ઈચ્છાને માન આપીને જેમણે તદ્દન નિરપેક્ષ ભાવે જવાહરલાલનું નેતૃત્વ સ્વીકારી લીધું હતું એવા લોખંડી મનોબળના સરદાર વલ્લભભાઈ પટેલનું આ જીવનચરિત્ર ટૂંકામાં ઘણી વાત કહી જાય છે. સરદારને બિસ્માર્ક કહેનારાઓ એ નથી જાણતા કે બિસ્માર્કની કામગીરી તો સાવ નાના પાયા ઉપર અને એ પણ અત્યંત ઘાતકી હતી. સરદારના સમગ્ર જીવનને નિરપેક્ષતાથી ઉજાગર કરતું આ જીવનચરિત્ર હિંદી ભાષામાં કદાચ પહેલું છે.

અનુવાદક - નવનીત ઠક્કર

પ્રકાશક - પ્રકાશન સંસ્થાન. નવી દિલ્હી

 

પ્રકાશન વર્ષ - ૨૦૧૦

સ્પંદન
ભગવતીકુમાર શર્મા


આ પુસ્તકમાં લેખકે પોતાના સંસ્મરણોને સુંદર કાવ્યાત્મક શૈલીમાં અદ્‍ભુત ગદ્ય વડે આકાર આપ્યો છે. લેખકના નિબંધો વિશેના દશેક જેટલા પુસ્તકોમાંથી અહીં ૪૧ નિબંધો તારવવામાં આવ્યા છે. તત્કાલીન સમાજ સાથે સંકળાયેલા શાશ્વત માનવીય મૂલ્યોને આ નિબંધોમાં પ્રતિદ્વનિત કરવામાં આવ્યા છે.

અનુવાદક - ડો.
પ્રજ્ઞા શુક્લ

પ્રકાશક - તક્ષશિલા પ્રકાશન, નવી દિલ્હી


શબ્દયોગ
ગુજરાતી સાહિત્ય વિશેષાંક

નવી દિલ્હીના આ સાહિત્યિક હિંદી ત્રિમાસિકે ડિસેમ્બર ૨૦૧૦નો ખાસ અંક ગુજરાતી સાહિત્ય વિશેષાંક તરીકે પ્રગટ કર્યો છે. આ વિશેષાંક્નું સંપાદન શ્રી દિનકર જોષીએ કર્યું છે. ગુજરાતી સાહિત્યના ભિન્ન ભિન્ન પ્રકારો - ટૂંકી વાર્તા, નિબંધ, જીવનચરિત્ર, કવિતા, નવલકથા ઈત્યાદિના ઉત્તમ અંશોનું ચયન કરીને અહીં એવી રીતે સુગ્રથિત કરવામાં આવ્યું છે કે હિંદી ભાષાના વાચકો ગુજરાતી સાહિત્યથી સમગ્રતયા સુપેરે પરિચિત થઈ શકે. 

પ્રકાશક - નવી દિલ્હી


 

પ્રકાશન વર્ષ - ૨૦૧૧ 

શૂન્યાવકાશ મેં પ્રતિઘોષ
જયંતિ એમ. દલાલ


ગુજરાતીમાં વિજ્ઞાન કથાઓ બહુ ઓછી લખાઇ છે અથવા તો ભાગ્યે જ લખાઇ છે. આ નવલકથા આવી ભાગ્યે જ માંની એક છે. દેખીતી રીતે સામાજીક જેવી લાગતી આ નવલકથાના પાત્રો ઝડપભેર વૈજ્ઞાનિક સંશોધનોમાં ઉતરી જાય છે અને પછી આતંક્વાદ, ત્રીજું વિશ્વયુદ્ધ, આંતરધર્મીય એકતા આ બધા પ્રદેશોમાં પ્રવેશે છે.

અનુવાદક - આશિત હૈદરાબાદી

પ્રકાશક - શિલાલેખ, દિલ્હી

Shunyavkash_Me_Pratighosh


ઈપ્સિતાયન
ભારતી રાણે

શીર્ષક વાંચતાવેંત ધ્યાન ખેંચતું આ પુસ્તક આમ તો એક પ્રવાસ વર્ણન છે પણ પારંપારિક રીતે જોઇએ તો આમાં કોઇ સ્થળોના નર્યા સૌંદર્યની કે એ સ્થળોએ ઉપલબ્ધ સગવડોની અથવા આ સ્થાનોએ જવા આવવાના યાતાયાતની વાતો આમાં નથી. આમાં તો યુરોપના સાત જેટલા દેશોનો સાંસ્કૃતિક ઇતિહાસ, સ્થાનો સાથે સંકળાયેલા લોકોનું સમાજજીવન તથા જે તે પ્રદેશની વિશેષતાઓનું આંખો દેખ્યું તસવીરી આલેખન છે. આ વિદેશ યાત્રામાં પણ, માણસ એ સર્વત્ર માત્ર માણસ જ છે એની સરસ અનુભૂતિ થાય છે.

અનુવાદક - જેઠમલ હ. મારુ 

પ્રકાશક - સર્જના, બિકાનેર

Ipsitaayan

 

પ્રકાશન વર્ષ - ૨૦૧૨

ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓ

હિંદી ટૂંકી વાર્તાના ક્ષેત્રે જે સ્થાન પ્રેમચંદનું છે એજ સ્થાન ગુજરાતીમાં ધૂમકેતુનું છે. ધૂમકેતુની વાર્તાઓમાં માનવીય સંવેદનાની જે ભાવાભિવ્યંજના મળે છે એ અજોડ છે. માનવીય સંવેદનાઓના એ સશક્ત હસ્તાક્ષર છે. આ વાર્તાસંગ્રહમાં ધૂમકેતુની ૧૫ રચનાઓને અનુદિત કરીને હિંદી વાચકો સમક્ષ મૂકવામાં આવી છે. વાર્તાઓનું ચયન એવી રીતે થયું છે કે સમગ્ર ધૂમકેતુ વાંચવા હિંદી સાહિત્ય વિશ્વ આકર્ષિત થાય.

અનુવાદક - પ્રીતમ પ્રસાદ શર્મા

પ્રકાશક - સાહિત્યાગાર, જયપુર

Ipsitaayan


અંધેરે સે ઉજાલે તક
બકુલ દવે

આંખના અમી ઓઝપાઈ જાય ત્યારે આપણે એને અંધાપો કહીએ છીએ પણ હકીકતે ચર્મચક્ષુનું વિલોપન એ પ્રજ્ઞાચક્ષુનો ઉઘાડ છે. હેલન કેલરની વાત તો આપણે સહુ જાણીએ છીએ પણ ઘર આંગણે સુરેન્દ્રનગરમાં મુક્તાબહેન નામની એક પ્રજ્ઞાચક્ષુ મહિલા સેંકડો પ્રજ્ઞાચક્ષુ કન્યાઓ માટે જે નવા વિશ્વના દરવાજા ખોલે છે એ વિશે આપણે ઝાઝું જાણતા નથી. અંધકારથી પ્રકાશ તરફ઼ દોરી જતી મુક્તાબહેનની આ જીવનયાત્રા અહીં નવલકથા સ્વરુપે રજૂ થઈ છે.

અનુવાદક - લલિતકુમાર શાહ

પ્રકાશક - રાજ પબ્લિશિંગ હાઉસ, જયપુર

Ipsitaayan

 

 

પ્રકાશન વર્ષ - ૨૦૧૩

ગુજરાતી ભાષામાં નવા વાર્તાકારો જે દિશામાં વિચારે છે અને આ વિચારોને ટૂંકી વાર્તાનું જે કલેવર આપે છે એ કલેવરનું એક દર્શન આપણને આ ત્રણ વાર્તાસંગ્રહોમાં મળે છે. માણસ ગ્રામ્ય વિસ્તારમાં વસતો હોય કે નગર વિસ્તારમાં, એની પ્રાકૃતિક ભાવનાઓ મૂળભુત રીતે એક જ હોય છે. વૈજ્ઞાનિક ઉપકરણો વીંટળાયા પછી પણ શાશ્વતીનો દોર બદલાતો નથી. ત્રણ નવા વાર્તાકારોએ શાશ્વતીના આ દોરની વાત અહીં પારંપારિક અને પ્રાયોગિક એમ બન્ને ધોરણ વચ્ચે સંતુલન જાળવીને કરી છે.

પ્રકાશક - સાહિત્યાગાર, જયપુર

Ipsitaayan

ગિરીશ ભટ્ટ


અનુવાદક -
શિવચરણ મંત્રી

Ipsitaayan

સુમંત રાવલ


અનુવાદક -
શિવચરણ મંત્રી

Ipsitaaan

અજય ઓઝા

પ્રકાશન વર્ષ - ૨૦૧૪

સુરયોગી કા સુરોપનિષદ

ડો. સુનીલ શાસ્ત્રી

મા અન્નપૂર્ણાદેવી અને બાબા અલાઉદ્દીન ખાન પિતા પુત્રી બન્નેએ પોતાના સમગ્ર જીવનમાં સંગીતની સાધના કરી. સુર સાથે જ જીવન. સંગીતને યોગ સ્વરુપ આપીને સાધ્ય કર્યું. બંને સુરયોગી. બંને આજીવન નિષ્ઠાપૂર્વક સુર પાસે બેઠા અને સત તત્વને પ્રાપ્ત કર્યું. એમના સમગ્ર જીવન તત્વનો નિચોડ એટલે આ સુરયોગી કા સુરોપનિષદ.

અનુવાદક - શ્રીમાલી પી. દવે

પ્રકાશક - પ્રકાશન સંસ્થાન, નવી દિલ્હી

Sooropanishad


શેયર બાજાર કો સમજે -

જયેશ ચિતલિયા

શેરબજાર એટલે સટ્ટો અને જુગાર. આજ સુધી આવી માન્યતા રહી હોવા છતાં શેરબજાર તરફ઼ જેમણે ધ્યાન ન આપ્યું હોય એવા બહુ ઓછા જણ આજે શિક્ષિતો વચ્ચે જોવા મળશે. રાતોરાત શ્રીમંત થઈ જવા શેરબજારની પાછળ ઘેલછાભરી દોટ મૂકનારાઓ તથા લાંબા ગાળે પોતાના પરસેવાની કમાણીને વૃદ્ધિ પામેલી જોવા માંગતા સહુ માટે આ પુસ્તક માર્ગદર્શક રેખા દોરી આપે છે.

અનુવાદક - લલિતકુમાર શાહ

પ્રકાશક - પ્રકાશન સંસ્થાન, નવી દિલ્હી

Sher_Bazar_ko_Samaje


ભારત યાત્રા કે પાવક પ્રસંગ -

ભાણદેવ

અધ્યાત્મની જીજ્ઞાસા જ્યારે તીવ્ર થઈ જાય છે ત્યારે એ શોધનું સ્વરુપ ધારણ કરે છે. આ શોધ યાત્રા સ્વરુપે અભિવ્યક્ત થાય છે. લેખકે આ પ્રેરણાથી પ્રેરિત થઈને સમગ્ર ભારતની અનેકવાર યાત્રા કરી છે. આ યાત્રાઓ દરમિયાન આ દેશની સંસ્કૃતિના એમને જે દર્શન થયા એ દર્શન એમણે અહીં આલેખેલી ઘટનાઓ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે.

અનુવાદક - પ્રજ્ઞા શુક્લ

પ્રકાશક - શુભદા પ્રકાશન, દિલ્હી

Bharat_Yatra_Ke_Paavak_Prasang


હિંદુ ધર્મ કી જ્ઞાનવર્ધક કહાનિયાં

નાનાભાઇ ભટ્ટ

સ્થળકાળ અનુસાર સંદર્ભ બદલાતા હોય છે. આ સંદર્ભોને ઊંડાઈથી જોઈએ છીએ ત્યારે શાશ્વત માનવીય મૂલ્યો સમજાય છે. આપણા વેદ પુરાણોમાં એવા કેટલાક કથાનકો છે કે જેનું મૂલ્ય સમગ્ર માનવજાત માટે આજે પણ એવુંને એવું જ રહ્યું છે. આવા થોડાક કથાનકો આ પુસ્તકમાં આલેખાયા છે.

અનુવાદક - હર્ષદ દવે

પ્રકાશક - શુભદા પ્રકાશન, દિલ્હી

Hindu_Dharma_Ki_Gyanvardhak_Kah


શબ્દ બાંસુરી

સુરેન ઠાકર ’મેહુલ’

બંસરીમાંથી સુર પ્રગટે શબ્દ નહિ પણ જો આ બંસરી કોઇક અલખના ઓટલે બેસીને હોઠ ઉપર મૂકે તો પેલા અલખને કારણે એમાંથી સુર સાથે શબ્દ પણ પ્રગટે. આમ તો આ પુસ્તકમાં થોડાક નિબંધો છે પણ આ નિબંધો ગદ્ય અને પદ્ય બંનેને સુર અને શબ્દની જેમ ગ્રંથસ્થ થયા છે.

Shabda_Bansuri


અનુવાદક - ડો. નિર્મલા છેડા

પ્રકાશક - પુસ્તક પ્રતિષ્ઠાન, નવી દિલ્હી

Last Updated (Saturday, 18 June 2016 18:33)