ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન

(ગુજરાતી સાહિત્યના સત્વશીલ ગ્રંથોને રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠાપિત કરતું અભિયાન)

સ્થાપના - ૨૦૦૫

વિચાર અને ઉદ્‌ભવ

તા. ૧૧ ડિસેમ્બર ૨૦૦૪ ના રોજ મુંબઈની 'અમૃતા' અને અન્ય સંસ્થાઓએ તેજપાલ ઓડીટોરીયમમાં એક સમારંભ યોજ્યો હતો. શ્રી દિનકર જોષીની અક્ષરયાત્રાની અર્ધ શતાબ્દી નિમિત્તે આ સમારંભ યોજાયો હતો. સમારંભમાં મંચ ઉપર બિરાજીત અતિથિવિશેષો હતા. 1) આદરણીય કથાકાર શ્રી રમેશભાઈ ઓઝા, 2) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મેનેજીંગ ડિરેક્ટર અને સંસદ સભ્ય શ્રી અનિલ અંબાણી, 3) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી ધીરુબહેન પટેલ, 4) ગુજરાતી દૈનિક 'દિવ્યભાસ્કર' ના તંત્રી શ્રી શ્રવણકુમાર ગર્ગ અને 5) મરાઠી દૈનિક 'લોક્સત્તા' ના તંત્રી શ્રી કુમાર કેતકર. 

પોતાની સર્જનયાત્રાના સન્માનનો પ્રતિભાવ વાળતા આ સમારંભમાં શ્રી દિનકર જોષીએ કહ્યું કે આપણી ભાષામાં બીજી ભારતીય ભાષાઓમાંથી પુષ્કળ અનૂદિત ગ્રંથો આપણે પ્રગટ કરીએ છીએ. આમાં ગુરુદેવ ટાગોરથી માંડીને ગુલશન નંદા સુધી સહુની રચનાઓથી આપણે આપણી ભાષાની સમૃધ્ધિમાં વૃદ્ધિ કરીએ છીએ. પણ આ વિષયમાં વળતા વહેવારનો સંબંધ છે ત્યાં સુધી આપણું સાહિત્ય અન્ય કોઈ ભાષાઓમાં ભાગ્યે જ પહોંચ્યું છે. આ સ્થિતિ આપણા માટે સંતોષજનક ન કહેવાય. પોતાની ‘પ્રકાશનો પડછાયો’જેવી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ બની ચૂકેલી રચના સહુપ્રથમ મરાઠી ભાષામાં પ્રગટ થઈ હતી એનું સ્મરણ કરતા શ્રી દિનકરભાઈએ કહ્યું હતું કે મરાઠી અનુવાદક આ રચના માટે લાંબા વખત સુધી કોઈ પ્રકાશકને મેળવી શક્યા નહોતા. શ્રી મંગુભાઈ દત્તાણી નામના એક સજ્જન મિત્રે પોતાના ટ્રસ્ટમાંથી આ નવલકથાના પ્રકાશન માટે મરાઠી પ્રકાશકને અનુદાન આપવાનો પ્રસ્તાવ ર્ક્યો એ પછી તરત જ આ નવલકથા મરાઠીમાં પ્રગટ થઈ અને પ્રગટ થતાવેંત એ મરાઠી રંગમંચ ઉપર નાટ્ય સ્વરૂપે મંચસ્થ પણ થઈ. મરાઠી નાટકની સફળતા પછી એ હિંદી, ગુજરાતી અને અંગ્રેજી રંગમંચ ઉપર મંચસ્થ થઈ અને હિંદી તથા અન્ય ભાષાઓમાં ગ્રંથસ્થ પણ થઈ. આ બધું જ શ્રી મંગુભાઈ દત્તાણીના અનુદાનને કારણે સંભવિત થયું હતું.

આ ઉદાહરણ લક્ષમાં રાખીને એમણે ઉમેર્યુ કે આપણે હવે આવું એકાદ ટ્રસ્ટ બનાવીને ગુજરાતી સત્ત્વશીલ સાહિત્યને અન્ય ભારતીય પ્રાદેશિક ભાષાઓમાં અને અંગ્રેજીમાં પ્રકાશિત કરાવવા માટે અભિયાન આદરવું જોઈએ. શ્રી દિનકરભાઈના આ પ્રસ્તાવનો પ્રતિભાવ આપતા શ્રી અનિલ અંબાણીએ ઘોષણા કરી હતી કે આવા ટ્રસ્ટની રચના માટે પોતે રૂ. અગિયાર લાખની રકમ ફાળવશે. આ પછી સભામાં ઉપસ્થિત અન્યોએ પણ પોતપોતાના યોગદાનની જાહેરાત કરી હતી. આ પ્રક્રિયાના ફળસ્વરૂપે ૨૦૦૫ માં શ્રી દિનકર જોષી (મેનેજીંગ ટ્રસ્ટી) અને શ્રી રમેશભાઈ ઓઝા તથા શ્રી સુરેન ઠાકર 'મેહુલ' (ટ્રસ્ટીઓ) ના વડપણ હેઠળ ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાનની સ્થાપના થઈ હતી.

ઉદ્દેશ - ગુજરાતી ભાષાના સત્વશીલ ગ્રંથોનું ચયન કરીને એમને અન્ય ભારતીય ભાષાઓ અને અંગ્રેજીમાં પણ અનુવાદિત કરાવીને પ્રગટ કરાવવા.

વિશેષતા - આવા પ્રકાશનો પ્રતિષ્ઠાન જે તે ભાષાના વ્યાવસાયિક પ્રકાશકો દ્વારા કરાવે છે. આ પ્રકાશનો માટે તે ભાષાના પ્રકાશકને નિશ્ચિત ધોરણે ચોક્કસ અનુદાન આપે છે. લેખક અને અનુવાદકને પ્રતિષ્ઠાન જ માનધન/પુરસ્કાર ચૂકવે છે. પુસ્તક પ્રગટ થયેથી એની નકલો પ્રકાશક સાથે નક્કી થયા મુજબ લેખક/અનુવાદકને મળે છે. અનૂદિત પુસ્તકના વેચાણ આદિની જવાબદારી પ્રકાશક હસ્તક જ રહેતી હોવાથી આવું વેચાણ સરળતાથી થાય છે. લગભગ દરેક ભારતીય પ્રાદેશિક ભાષા અને અંગ્રેજીમાં આ પ્રકલ્પ હેઠળ સંલગ્ન પ્રકાશકો અને અનુવાદકોની એક યાદી પ્રતિષ્ઠાન ધરાવે છે.

કાર્યસિદ્ધિ - સ્થાપના પછીના તેર વરસના ગાળામાં પ્રતિષ્ઠાને ૪૦ ગુજરાતી ગ્રંથોને હિન્દી, મરાઠી,તમિલ, તેલુગુ, મલયાલમ તથા અંગ્રેજી ભાષામાં જે તે ભાષાના વ્યાવસાયિક પ્રકાશકો દ્વારા પ્રગટ કરાવ્યા છે. આમાં ૨૭ હિન્દી, ૪ અંગ્રેજી, મરાઠી, ૨ તેલુગુ, ૧ તમિલ તથા ૧ મલયાલમ ભાષામાં અનૂદિત થયા છે.

પુસ્તક ચયન લેખક પોતે પોતાના કોઈપણ સત્ત્વશીલ પુસ્તક માટે પ્રતિષ્ઠાનનો સંપર્ક કરી શકે છે. પ્રતિષ્ઠાન પોતે પણ પોતીકી રીતે આવું ચયન કરીને પ્રકાશનની આ પ્રક્રિયામાં એને સમાવે છે. પ્રકાશનની આવી વ્યવસ્થા એક આવૃત્તિ પૂરતી જ સીમિત હોય છે અને અન્ય કોપીરાઈટ લેખક પાસે જ રહે છે. લેખકે /લેખકના વારસદારે /અનુવાદકે પ્રતિષ્ઠાનના નિયમોનો સ્વીકાર કરતો પત્ર જ માત્ર આપવાનો રહે છે.

પ્રતિષ્ઠાનની આ પ્રવૃત્તિનો લાભ વધુ ગુજરાતી ગ્રંથોને અને એમના લેખકોને મળી શકે એવા ઉદ્દેશથી આ પ્રવૃત્તિનો વ્યાપ ૨૦૧૨ના વરસથી વિસ્તારવાનું નક્કી થયું છે. તદનુસાર હવે પછી જે કોઇ ગુજરાતી લેખક પોતાના ગ્રંથને કોઇપણ ભારતીય ભાષામાં અનૂદિત કરાવીને પ્રગટ કરાવવાનું પોતાનું સ્વતંત્ર આયોજન કરી શકે એમને ચોક્કસ આર્થિક અનુદાન આપવાનું ઠરાવવામાં આવ્યું છે. આ ધોરણ હેઠળ લેખકે પોતાનું પ્રગટ થયેલું પુસ્તક પોતે કઈ ભાષામાં એને પ્રગટ કરવા ઈચ્છે છે એની વિગત સાથે ટ્રસ્ટને જણાવીને પૂર્વસંમતિ પ્રાપ્ત કરવાની રહેશે. આ પછી પુસ્તક પ્રગટ થયેથી પ્રતિષ્ઠાન દ્વારા આ અનૂદિત પુસ્તક માટે વધુમાં વધુ રુ. ૨૫૦૦૦/- (પચીસ હજાર) સુધીનું અનુદાન મેળવી શકાશે. આ અંગે વિસ્તૃત માહિતી માટે રસ ધરાવતા લેખકોને વિનંતિ કરવામાં આવે છે કે તેઓ જરૂરી ફોર્મ પ્રતિષ્ઠાનના કાર્યાલયમાંથી મેળવી શકશે. બહારગામના લેખકોએ પોતાના નામ-સરનામા સાથેનું જવાબી કવર જરૂરી ટપાલ ટિકિટો લગાડીને મોકલવું જરૂરી છે.

આ યોજના હેઠળ હસ્તપ્રતો લક્ષમાં લેવાશે નહીં.